(૫૪)અમુલ્ય

એકવાર હું દાદરથી બસમાં બેઠો. બોમ્બેમાં બસની સગવડ પ્રમાણમાં ઘણી સારી એટલે વધારે ટ્રાફિકમાં કાર લઈને જવા કરતાં ક્યારેક બસમાં જવાનું વધુ સુવિધાજનક રહેતું. તે દિવસે બસની લાઈન લાંબી હતી. પણ ઉપરા ઉપરી બસ આવતી, એટલે કંઈ જ ચિંતા જનક નહોતું. મને બેસવાની જગ્યા પણ મળી ગઈ.
કંડકટર ટીકીટ માટે આવ્યો ત્યારે મેં જેવો ખીસામા હાથ નાખ્યો, તો ફાળ પડી. ખીસું કપાયેલું હતું. એ વખતે બોમ્બે માટે આ વાત સામાન્ય હતી. પરંતુ, હું મોટે ભાગે કારમાં જતો, એટલે જોઈએ તેટલી સાવચેતી કદાચ નહોતી રાખી. હવે મારું મોં જોવા જેવું થયું. કંડકટર સાથે કે બીજા કોઈ સાથે કેવી રીતે નજર મિલાવી શકું? આ શરમ જનક સ્થિતિમાં સંકોચથી શું કરવું તે વિચારતો હતો, એટલામાં મારી બાજુમાં બેઠેલા બહેને કહ્યું, “ભાઈ, ક્યા જવું છે તમારે?” મેં કહ્યું, “શાંતાક્રુઝ” તેમણે કંડકટર પાસે ત્રણ શાન્તાકૃઝ્ની ટીકીટ માંગી, અને એક મને આપી. તે બહેન, જાણે કંઈ જ બન્યું ન હોય તેમ તેમની સાથેના બીજા બેન સાથે વાતો કરતાં રહ્યાં. શરમ અને ઉપકારવશ હું પણ કંઈ જ બોલી ના શક્યો.
ઉતરતાં પહેલાં મેં કહ્યું, “બેન આપ ક્યાં રહો છો?” તો કહે,” આપ પૈસાની ચિંતા ના કરશો, હું તો અમેરિકા રહું છું અહીં કુટુંબમાં લગ્ન પ્રસંગે આવેલી છું. માણસાઈના નાતે હું આટલું ય ના કરું તો મારું ભારતીયપણું લાજે,  મારા ગુજરાતના સંસ્કારો  લાજે. ”   મેં કહ્યું, ” ના ના બેન, તમે કરેલી આ મદદ તો મારા માટે અમુલ્ય છે, તે વાળી શકું તેવું મારું ગજું નથી. પણ જો આપને અનુકુળ હોય તો મારા પત્ની અને બાળકોને તમારા જેવા સાચા અર્થમાં માનવ અને મુઠી ઊંચેરા ભારતીયને  મળવા લાવવાનું મને ગમશે.”
Advertisements

(૭૬)આથમતી રાતે ઓલ્યો

આથમતી રાતે ઓલ્યો ડુબ્યો ચાંદલિયો,

ને તારલા જમાત પડી ઝાંખી.

સેવેલા શમણાનો અણસાર મળ્યો નહિ,
જાગી હું રાત આખી આખી.
પત્થર પીગળશે ને
પાણીડાં છલકાશે બા’ર,
દરિયો ઉભો રહીને કહેશે,
લે પગલાં પાડીને કર પાર.
વાત મારી આટલીય ના  રાખી–
આથમતી રાતે ઓલ્યો ડુબ્યો ચાંદલિયો,
ને તારલા જમાત પડી ઝાખી.
ઉભા મારગડે તરશે વહાણ
એમાં બેસીને ક્યાંક ઉડી જાશું,
જ્યાં સુરજ હો શીતલને
ચાંદો ઓકે લ્હાય લ્હાય,
ખિડકી ખોલીને મેં તો રાખી.–
આથમતી રાતે ઓલ્યો ડુબ્યો ચાંદલિયો
ને તારલા જમાત પડી ઝાખી.
રશ્મિ જાગીરદાર

(75) મનની ખિડકી

મનની ખિડકી
મનમાં મહોલાત હોય તો માણી  લેવાની,
એમાં મંગળ શું કે અમંગળ  શું?
દિલમાં શોહરત હોય તો વહેંચી દેવાની,
એમાં આજે શું કે કાલે શું?
અંતરમાં કોઈ આગ હોય તો ઠારી દેવાની,
એમાં આંસુ શું કે પાણી શું?
જહેનમાં કોઈ વાત હોય તો કહી દેવાની,
એમાં કહેણ શું કે કથન શું?
અંદર કોઈ ઉભરો  હોય તો ઠાલવી દેવાનો,
એમાં ગદ્ય શું કે પદ્ય શું?
ઉરમાં કોઈ ઉમળકો હોય તો પ્રગટવા દેવાનો,
એમાં છંદ શું કે અછંદ શું?
મનની ખિડકી બિલકુલ સરેઆમ ખોલી દેવાની,
એમાં લાજ શું કે ડર શું?
અસ્તુ.
રશ્મિ જાગીરદાર

(74) તું પોતે

શિખરિણી છંદ

૧૭ અક્ષરો,યતિ છઠ્ઠા અક્ષરે,
છંદનું બંધારણ :-યમાતા  માતારા નસલ  સલગા ભાન સલગા
                        લગાગા ગાગાગા  લલલલલગા ગાલલલગા
  તું પોતે
અનોખી નારી તું, સકલ જગ જાણે પરમ તું.
અતી સ્નેહેથી  જે, અનહદ  કરે છે કરમ તું.
કરે સાચા ન્યાયો, અવઢવ નહીં કે શરમ કો.
ભરે શાંતીથી તું,અડગ ડગ ત્યાં ના ભરમ કો.
અહો વ્હાલેથી તું,નવ ઝરણ થૈ પાલક બને.
તને ઢાંકી લાજે, પલપલ કહે ના મરક તું.
તને ક્યાં સ્હેજેયે, સમજણ પડે છે ફરક શું?
દબાવ્યાં સૈકાથી, તનમન છતાં ના હરફ કો.
તમામે ઊર્જાઓ, વલવલ કરે તુજ રદયે.
છતાં કો મંજીલો, નવ તવ કને કે મદદ કો.
બહું એ વેઠયું તેં, અકળ  જગમાં ના કથન કો.
હવેથી ઓ નારી, મનભર કહેજે વચન તું.
તને દ્રષ્ટિ આપે, સબરસ ભરે જે નયનમાં.
અલી એ તું પોતે, શબનમ બને ના અવર કો.
અસ્તુ.
રશ્મિ જાગીરદાર.

(૭૩)ગોરંભાયેલું ગગન

મંદાક્રાંતા છંદ, 17 અક્ષરો યતિ 4 ને 10 અક્ષરે.

ગા  ગા ગા ગા લ લ લ લ લ ગા ગા લ ગા ગા લ ગા ગા
વિષય -પ્રકૃતિ
ગોરંભાયેલું  ગગન અને વાદળે છાય તારા,
લાલીમાંએ  સુંદર દિસતો  આભલે ટાંકું ચાંદો.
મોરે માંડ્યો  કલરવ અરે  નાચ તાતાત થૈ થૈ,
ઠંડી ઠંડી હલચલ હવામાં અનેરો ગહેકે.
એ માહોલે ચકચક ચકી પાંખ ફેલાવતી જો.
ઝીણાં ફોરાં ઝરમર ઝરે એક મીઠી મહેકે.
ધીમે ધીમે ઢચું પચું સવારી પહોંચી વર્ષાની.
થાકી પાકી હું પલળવું છોડી પથારી પહોંચી.
થાકોડો લૈ થઈ પડખું ઢાળી હું બેતાબ પાછી.
જાણે કેમે કરું નયન મીંચાય ના ને ફરીથી,
એને જોવા તલસતું ઉત્સાહે ચકીવ્હાલ ભરી.
મારાં સૂતાં  બચપણ સંગે એ રહીને  પરી યે.
બારી પાસે પગ ઉપડતા એમ ચાલ્યા તણાતા.
ગાજે વીજે ભર્યું મુસળધારે વર્ષેએ અંધારે.
અસ્તુ.
રશ્મિ જાગીરદાર.

(૭૨) ચેનલની માયા

ચેનલ  પ્યારી( રાગ -મુખડાની માયા લાગીરે )

સીરીઅલની માયા લાગી રે ચેનલ પ્યારી,

એક એપીસોડ  જોયો તારો, કબજો તેં  લીધો મારો,
ખાતાં પીતાં એ જ વિચારું રે …ચેનલ પ્યારી.
ટીવી પર તો ચેનલ ઝાઝી,
પણ હું તો એકમાં રાજી,
બધે કેમ કરી ફરીએ રે …………ચેનલ પ્યારી.
રાતે બતાવે એતો સાચું,
બપોરે બતાવે પાછું,
તેને કેમ કરી છોડીએ રે …..ચેનલ પ્યારી.
ચાર પાંચ વરસ ચાલે,
એક દિ’ એક ડગલું હાલે,
તો યે તારી સાથે રહીએ રે…..ચેનલ પ્યારી.
તું ના હોયે કરવું શું?
સમય મારો કાઢવો ક્યાં?
તું થકી તો અમે નરવા રે,,,,,ચેનલ પ્યારી.
ચેનલ તારી બલિહારી,
આશા મને એક તારી,
માનું મને બડભાગી રે ……ચેનલ પ્યારી.
અસ્તુ.
રશ્મિ જાગીરદાર

(૭૧)સપનું સખીરી

સપનું
સખીરી આજે તો, અનહદ ઉડે જો ગગનમાં.
ગુલાલે રંગાયેલું  મુજ મનસ્વી કો સપન રે.
રખાયેલું આચ્છાદિત અજબ દીઠા જગતથી .
સસ્નેહે  વાવ્યું જે,અસુવન જલે સીચ્યું તું ખરે.
વિચારે હંમેશા, અધિક ગણું મોટેરું ય જરી.
નિશાને સાધે જે, ચુકવું પણ ના એ કમ પડે.
કરે કાઠા કામો, અહર્નિશ ન પામે શિકસ્ત એ.
અનાથોનો બેલી, સમર્પણ જ માંગે મુજ કને.
સર્વે માર્ગે આવે, અડચણ કરે એ દૂર ભલે.
હવે તો આનંદે, હલચલ કરે  મારું મન જ્યાં.
યુવાનીમાં મોટેરું સપનું નહીં નાનું સહજે.
વધીને આકાશે, સ્પર્શ કરતું ઉંચે  ફરકશે.
પછી જે પામે છે, સફળપથ તારી  સફરમાં.
ફળ્યા પામેલા સૌ, સદવચન સૌનાં હૃદયનાં.
 અસ્તુ.
રશ્મિ જાગીરદાર.